﻿ગીતશાસ્ત્ર.
149.
યહોવાની સ્તુતિ કરો! તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો. 
ઇસ્રાએલ, તમારા સર્જનહારનાં અસ્તિત્વનો તમે આનંદ કરો; સિયોનના લોકો, તમારા રાજાની નિકટતાનો આનંદ મનાવો. 
તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ. 
કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે. 
તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ. 
તેઓના કંઠમાંથી યહોવાની ઉત્તમ સ્તુતિ ગવાઓ; અને તેઓના હાથમાં બેધારી તરવાર રહો. 
તેઓ બીજા રાષ્ટોને સજા કરે અને તેમને પાઠ ભણાવે. 
તેઓના રાજાઓને અને આગેવાનોને; લોખંડની સાંકળોથી બાંધે. 
અને તેઓને દેવના ચુકાદો મુજબ તેઓ સજા કરે! યહોવા તેમના બધાં સંતોનો આદર છે. યહોવાની સ્તુતિ કરો. 
